દિવાળી વિશેષ

ડીમાર્ટ દિવાળી

એક ટૂંકી વાર્તા
તહેવાર · પરિવાર · એક યાદગાર પળ
લેખક ~ ગોટી સાહેબ

વર્ષના અમુક દિવસો એવા હોય છે જ્યારે આખું આકાશ કોઈ અદ્રશ્ય અબીલ-ગુલાલથી ભરાઈ જતું હોય છે. આસો મહિનો ઉતરતો હોય, શિયાળાની હજુ તો ફક્ત ગુલાબી પગરવ સંભળાતી હોય અને હવામાં એક મીઠી આશ ઊભરાતી હોય અને ચહેરા પર હલ્કી હલ્કી ખુશીઓની સુગંધ મહેકતી હોય એ જ તો છે દીવાળી. કદાચ ઈશ્વર પણ માણસને કાયમ માટે ઉદાસ નથી જોઈ શકતો. રોજિંદી ચિંતાઓ, નોકરીના કલાકો, કમાણીની મથામણ અને જિંદગીના નાના-મોટા કજિયાઓથી થાકેલા માણસને હસાવવા માટે જ કદાચ ભગવાને આ તહેવાર બનાવ્યા હશે.

એક એવો સમય, જ્યાં આખું વર્ષ વિખરાયેલો પરિવાર એક છત નીચે ભેગો થાય છે.. અને ખુશીઓથી સાથે રહીને મજા કરે છે..

સાચો તહેવાર તો કદાચ એ જ છે જ્યારે પરિવાર સાથે હોય..
✦ ✦ ✦

દીવાળીને બરાબર એક અઠવાડિયાની વાર હતી. અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે મોલ કે ‘ડીમાર્ટ’ જવું એ કોઈ રોજિંદી મોજ નથી હોતી.. અમારા માટે તો મહિનાના પગારની તારીખે અથવા આવા મોટા તહેવારે જ ત્યાં જવાનો મેળ પડે. અને એ પણ કંઈ વૈભવી સપનાઓ ખરીદવા માટે નહીં, પણ ઘરનું આખા મહિનાનું કરિયાણું, ખાંડ કે ચાની પત્તી વ્યાજબી ભાવે લાવવા માટે..

મારી બહેન છેલ્લા બે દિવસથી મારી પાછળ પડી હતી, "ચાલ ને ભાઈ, ડીમાર્ટ જઈ આવીએ. પછી બહુ મોડું થઈ જશે, ભીડ વધશે, ટ્રાફિક નડશે ને છેલ્લી ઘડીએ કઈં સારું નહીં મળે." મેં પણ આળસુ ભાઈની જેમ 'કાલ જઈશું, પરમદિવસે જઈશું' કરીને બે દિવસ ધકેલી નાખ્યા હતા.. પણ આખરે રવિવાર આવ્યો અને બહેનની રોજેરોજની કીચકીચથી બચવા મારી આળસે પણ હથિયાર હેઠા મૂકી દીધાં..

અમે મોલમાં પહોંચ્યા ત્યારે આખો મોલ જાણે રોશની અને ખુશીઓથી છલકાતો હતો. દરેક ખૂણે પરિવારો હતા. કોઈ વસ્તુ પાછળ લાગેલો ભાવ જોઈને અંદાજ લગાવતું હતું, તો કોઈ પુરુષ પોતાની આખો દિવસ દોડીને થાકેલી પણ આજે તહેવારના હરખમાં હસતી પત્ની અને બાળકોના ચહેરા પર ઉભરાતા ભાવ વાંચતો હતો.. તહેવાર ખરેખર માણસને અંદરથી કેટલો સમૃદ્ધ બનાવી દે છે ને!

મોલના દરવાજે પહોંચતા જ મેં લાઈનમાંથી એક ટ્રોલી ખેંચી લીધી. ખબર નહીં કેમ, પણ મને નાનપણથી જ આ મોલની ટ્રોલી ચલાવવાનો એક અજીબ આનંદ આવે છે. કદાચ એ ણ ફક્ત વ્હીલ પર ચાલતું લોખંડનું માળખું નથી, પણ એમાં આખા ઘરની ખુશીઓ, જરૂરિયાતો અને જવાબદારીઓ એકસાથે સવાર હોય છે, જેને બેલેન્સ કરીને આપણે આગળ વધવાનું હોય છે. મેં ટ્રોલી હાથમાં લીધી અને બહેન એક પછી એક વસ્તુઓ અંદર ગોઠવવા લાગી. ખાંડની ગુણી, બાસમતી ચોખા, મગની દાળ, તુવેરની દાળ, ચણા... એક પછી એક પેકેટ અંદર પડતા ગયા અને ટ્રોલી ભરાતી ગઈ. અચરજની વાત એ હતી કે આજે મારા મનમાં બિલ કેટલું થશે એની સહેજ પણ ચિંતા નહોતી. બહેનના ચહેરા પરનો જે સંતોષ હતો અને આસપાસના પરિવારોનો જે કલરવ હતો, એ જોઈને મારા દિલમાં એક જુદો જ ઉમંગ હતો. મેં મનોમન વિચારી લીધું કે, 'બિલ ગમે તેટલું થાય, મારા દિલથી મોટું તો નહીં જ હોય... થવા જ દો આજે!'

✦ ✦ ✦

અમે બધો સામાન લીધો અને આખરે બિલિંગ કાઉન્ટરની લાંબી લાઈનમાં આવીને ઊભા રહ્યા. અમારી બરાબર આગળ એક વૃદ્ધ દંપતી ઊભું હતું.

કાકાની ઉંમર અંદાજે ૫૮ વર્ષની આસપાસ હશે અને કાકી બાવન-ત્રેપન વર્ષના લાગતા હતા. કાકાના ચહેરા પર એક અદભુત નિર્દોષતા અને નિખાલસતા હતી. વર્ષોની મહેનત અને મધ્યમવર્ગીય પ્રામાણિકતા એમના કરચલીવાળા ચહેરા પર સ્પષ્ટ વંચાતી હતી. કાકીના વાળમાં થોડી ચાંદી ચમકતી હતી અને એમનો અવાજ એટલો ગળગળો અને મીઠો હતો કે કોઈને પણ એમના પ્રત્યે વહાલ ઊભરાઈ આવે. એમની ટ્રોલી પણ તહેવારના રંગોથી ભરેલી હતી. રંગોળીના કલર, માટીના કોડિયાં, નાસ્તો અને ઘરનું કરિયાણું. કાકીના ચહેરા પર એક ગજબની સ્માઈલ હતી જે જરાય ખૂટતી નહોતી. પેલી કાઉન્ટર ગર્લ એક-એક વસ્તુ સ્કેન કરીને આગળ મૂકતી હતી અને કાકી હોંશે-હોંશે એ સામાન પોતાના થેલામાં ભરતા જતા હતા.

બધી વસ્તુઓ સ્કેન થઈ ગઈ અને કમ્પ્યુટરના સ્ક્રીન પર આંકડો ચમક્યો ₹૩,૮૪૯/-.

એ આંકડો જોઈને કાકાના ચહેરાના ભાવો અચાનક બદલાયા. કદાચ એ રકમ એમની ગણતરી કરતાં થોડી વધારે હતી. કાકાએ એમના પેન્ટના નીચેના ખિસ્સામાંથી એક જૂનું, પાણી કલરનું, ઘસાઈ ગયેલું પાકીટ કાઢ્યું. એ પાકીટની સ્થિતિ જ કહી આપતી હતી કે એમાં પૈસા કરતાં જવાબદારીઓની કાપલીઓ વધારે હશે. એમણે એમાંથી એક ડેબિટકાર્ડ કાઢ્યું અને પેલી છોકરીને આપ્યું. છોકરીએ કાર્ડ મશીનમાં નાખ્યું, કાકાએ ધ્રુજતા હાથે પિન નાખ્યો... પણ સ્ક્રીન પર લાલ અક્ષરે લખાઈને આવ્યું – 'Error'. કદાચ કોઈ ટેકનિકલ ખામી હતી કે નેટવર્કનો પ્રોબ્લેમ. બીજી વાર ટ્રાય કર્યો... ફરીથી એ જ 'Error'. ત્રીજી વાર... ફરી 'Error'.

હવે કાકાના ચહેરા પરનો પરસેવો સાફ દેખાતો હતો. એમની આંખોમાં મૂંઝવણ અને હૃદયના ધબકારા વધી ગયા હતા. લાઈનમાં પાછળ ઊભેલા લોકો અધીરા થઈ રહ્યા હતા. કાકાએ એક ગળગળા અવાજે કાકી સામે જોયું અને ઈશારો કર્યો, "આ બધો સામાન થેલામાંથી બહાર કાઢી લે... કાર્ડ નથી ચાલતું, સામાન પાછો મૂકવો પડશે." બાપ રે! એ શબ્દો જ્યારે કાકાના મોંમાંથી નીકળ્યા ને, ત્યારે મારું દિલ જાણે ચિરાઈ ગયું. કાકીના ચહેરા પરની પેલી ન ખૂટતી સ્માઈલ એક પળમાં ગાયબ થઈ ગઈ અને એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. આસપાસના લોકો એમની સામે જોઈ રહ્યા હતા. પળભર માટે તો મારા મનમાં એવો વિચાર આવ્યો કે હું મારું કરિયાણું પાછું મૂકી દઉં અને આ કાકા-કાકીનું બિલ ચૂકવી દઉં! મારું દિલ એટલું મોટું થઈ ગયું હતું કે એ વડીલોની ઉદાસી મારાથી સહન નહોતી થતી. કાઉન્ટર ગર્લે નિર્દોષ અવાજે પૂછ્યું, "કાકા, ગુગલ પે કે ઓનલાઈન કઈં નથી?" કાકા કશું બોલી ન શક્યા, બસ નકારમાં માથું હલાવ્યું.

✦ ✦ ✦

હું હજી આગળ વધીને 'હું બિલ ચૂકવી દઉં' એવું બોલવા જ જતો હતો, ત્યાં જ જાણે કાકીને કઈં યાદ આવ્યું. એમણે ઉતાવળે પાકીટમાંથી એક બીજું કાર્ડ કાઢ્યું. કદાચ એ એમના દીકરાનું કાર્ડ હતું. એમણે કાકાને આપ્યું. કાકાએ મશીનમાં પિન નાખ્યો... પણ કમ્પ્યુટરે કહ્યું..'Wrong PIN'. અફસોસ! કાકા સાવ ભાંગી પડવાની અણી પર હતા. એમની આંખો નમી ગઈ હતી. તહેવારની બધી ખુશી જાણે એક પળમાં ભસ્મ થઈ ગઈ હોય એવું લાગતું હતું. પણ કાકાના મનમાં એક છેલ્લી કોશિશ કરવાની તમન્ના હતી. એમણે ધ્રુજતા અવાજે કહ્યું, "બેટા, એક છેલ્લી વાર ટ્રાય કરવા દે."

એ પળે મારી પાછળ ઊભેલા અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર કે લાઈન આગળ વધે એટલા માટે પણ મનોમન દુઆ કરતા હતા કે પેમેન્ટ થઈ જાય તો સારું. આખો માહોલ એકદમ શાંત થઈ ગયો હતો. કાકાએ ફરીથી આંકડા દબાવ્યા અને...

ટ્રીન... ટ્રીન... મશીનમાંથી ગ્રીન લાઈટ થઈ અને રસીદ બહાર આવી! પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું હતું!

જાણે કાકીના ભગવાન સીધા નવમી દ્વારકાથી દોડીને આવ્યા હોય.. જાણે સ્ટેશનપરથી એક અડધી સેકંડ માટે ચુકી ગયેલી ટ્રેનને દોડીને પકડી લીધી હોય... જાણે કોમામાં જતી રહેલી વ્યકિતની ટચલી આંગળીનું ટેરવું સળવળ્યુ હોયને પરિવારજનોના ચહેરા ચમકે કદાચ એનાથી ય સો ગણી એ પળે કાકા અને કાકીના ચહેરા પર સ્માઈલ પાછી આવી ગઈ, સાહેબ... એ જોઈને દીવાળીના એક અઠવાડિયા પહેલાં જ મારા દિલમાં હજારો દીવડા એકસાથે પ્રગટી ગયા. મારી દીવાળી એ જ ક્ષણે ઉજવાઈ ગઈ!

✦ ✦ ✦

મેં પણ ફટાફટ મારું પેમેન્ટ પતાવ્યું, સામાન લીધો અને દોડતો મોલની બહાર આવ્યો. મારે એ કાકા-કાકીને શોધવા હતા, એમને મળવું હતું. પણ ખબર નહીં ભીડમાં એ બંને ક્યાં ગાયબ થઈ ગયા. મેં ખૂબ નજર દોડાવી પણ એ ન મળ્યા. ગાડી સ્ટાર્ટ કરતી વખતે મેં આકાશ સામે જોયું. કદાચ મારી ઉદાસ દીવાળીને ખુશીઓમાં બદલવા માટે અને મને જિંદગીનો સાચો અર્થ સમજાવવા માટે ભગવાન પોતે જ એ કાકા-કાકીનું રૂપ લઈને આવ્યા હશે! એક એવી દીવાળી, જે હું આખી જિંદગી ક્યારેય નહીં ભૂલી શકું.

મોજ આવી ગઈ બોસ!લેખક ~ ગોટી સાહેબ