Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
DarMat
પ્રતિબિંબ: ધ ફ્રેક્ચર્ડ મિરર by Dr. Kirtan Chheta short story cover

પ્રતિબિંબ: ધ ફ્રેક્ચર્ડ મિરર

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Oct 26, 2026
1 views 1 min read 0 comments

પ્રકરણ ૨:



ઇન્સ્પેક્ટર દેસાઈના ભારે પગલાં એની બરાબર સામે આવીને અટક્યા. હોલની ભીડ જાણે શ્વાસ રોકીને આ દ્રશ્ય જોઈ રહી હતી.


દેસાઈએ અત્યંત ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, "વેદિકાબેન, મારી સાંત્વના તમારી સાથે છે. હું જાણું છું કે આ સમય યોગ્ય નથી, પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે... એકાંતમાં."


વેદિકાએ પોતાની આંસુ ભરેલી આંખો ઊંચી કરી અને દેસાઈ સામે જોયું. એની આંખોમાં કોઈ જ ભાવ નહોતો. તે ધીમેથી ઊભી થઈ. પાસે ઉભેલા એક સગાએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, "ઇન્સ્પેક્ટર સાહેબ, આ બેસણાનો સમય છે. અત્યારે..." પણ દેસાઈની એક કડક નજરે એમને વચ્ચે જ ચૂપ કરી દીધા.


વેદિકા કોઈ પણ જાતના વિરોધ વગર હોલની પાછળ આવેલા એક ગાર્ડન તરફ ગઈ. દેસાઈ એની પાછળ એ ગાર્ડનમાં આવ્યા.


"બોલો ઇન્સ્પેક્ટર, શું જાણવું છે તમારે?" વેદિકાનો અવાજ એટલો સપાટ અને લાગણીવિહીન હતો કે ક્રાઈમ બ્રાન્ચના આ સિનિયર ઓફિસર પણ એક પળ માટે ચોંક્યા.


દેસાઈએ સામેની ખુરશી પર બેસતા પહેલા જ સીધો હુમલો કર્યો, "કિશનભાઈનો અકસ્માત નહોતો થયો, વેદિકાબેન. એ મર્ડર હતું. મસૂરીની એ ખાણમાં ગાડી એની જાતે નહોતી ખાબકી, એમાં કારની બ્રેક ને ખરાબ કરવામાં આવ્યું હતું."


આટલો મોટો ધડાકો સાંભળીને પણ વેદિકાના નિસ્તેજ ચહેરા પર કોઈ આશ્ચર્ય ન દેખાયું. એણે માત્ર એક ઊંડો શ્વાસ લીધો. જાણે એને અંદરથી પહેલેથી જ ખબર હતી કે કિશન જેવા પાવરફુલ અને રહસ્યમય માણસનો અંત આટલો સાધારણ ક્યારેય ન હોઈ શકે. મને ખબર હતી કે કિશનની મૃત્યુ આવી રીતે થશે મેં એને હજાર વખત કીધેલું તું સુરત ને બેસ્ટ ક્રિમિનલ લોયર છે પણ થોડા પૈસાની લાલચ માટે તું ખોટા લોકોનો સાથ ના આપ ક્યારેક એ જ લોકો મળીને તને મારી નાખશે, પણ નહીં એના પર તો મોજ શોખ અમીરીનું ભૂત સવાર હતું. મારી આ વાત ક્યા કદી એના પલ્લે પડી હતી. અને "તમે મને માત્ર આ માહિતી આપવા માટે અહીં આવ્યા છો?" વેદિકાએ પૂછ્યું.


"ના," દેસાઈએ પોતાના જેકેટના ખિસ્સામાંથી કંઈક કાઢતા કહ્યું, "હું તમને એ પૂછવા આવ્યો છું કે..."


"આ પૂછપરછ કરવાનો કાનૂની સમય બિલકુલ નથી, દેસાઈ સાહેબ." ગાર્ડન એની અંદર આવતી યુવતી એ દેસાઈ સરની નજક આવતા કહ્યું. એના  અવાજ ગંભીર અને આંખોમાં એક વિચિત્ર પ્રકારની તેજસ્વિતા હતી. ૫ ફૂટ એક ઇંચની ઊંચાઈ ધરાવતી, કાળું ટોપ અને ડાર્ક ગ્રે જીન્સ સાથે સજ્જ એ યુવતી સીધી વેદિકાની બાજુમાં આવીને ઊભી રહી. 


દેસાઈના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત આવ્યું. "આવ… રોનિકા. મને ખબર જ હતી કે જ્યાં કિશન અને વેદિકાની વાત આવે, ત્યાં તારો પ્રવેશ તો થવાનો જ. આખરે કિશન દવેનો સૌથી નજીકની મિત્ર અને એકમાત્ર વિશ્વાસુ તું જ તો હતી ને."


"વેદિકાની માનસિક સ્થિતિ અત્યારે તમારા પાયાવિહોણા સવાલોના જવાબ આપવા જેવી નથી, ઇન્સ્પેક્ટર. જે પણ વાત કરવી હોય તે મારા થ્રુ થશે." રોનિકા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.


"તો કદાચ તું જ જવાબ આપી દે રોનિકા," દેસાઈએ એક પ્લાસ્ટિકની પારદર્શક એવિડન્સ બેગ ટેબલ પર મૂકી. એની અંદર એક અડધી બળેલી, કાળા પૂંઠાની ડાયરી હતી. રોનિકા અને વેદિકા બંનેની નજર એ ડાયરી પર સ્થિર થઈ.


"મસૂરીમાં બ્લાસ્ટ સાઈટ પરથી અમને કિશનભાઈની ગાડીના ડેશબોર્ડમાંથી આ ડાયરી મળી છે," દેસાઈએ વેદિકાની આંખોમાં સીધું જોતા કહ્યું, "ડાયરીના મોટાભાગના પાના બળીને ખાખ થઈ ગયા છે, પણ છેલ્લા પાને એક નામ લાલ શાહીથી સ્પષ્ટ લખાયેલું બચી ગયું છે..."


દેસાઈએ થોડો પોઝ લીધો અને પછી બોલ્યા, "'વેદિકા શ્રીવાસ્તવ'."

વેદિકાના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. એનો શ્વાસ ગળામાં જ અટવાઈ ગયો. શ્રીવાસ્તવ? લગ્ન પછી છેલ્લા ત્રણ વર્ષથી એ માત્ર 'વેદિકા દવે' હતી. ખુદ કિશન એને હંમેશા 'વેદુ' જ કહેતો. તો પછી કિશને મરતા પહેલા એની ડાયરીમાં એનું જૂનું નામ, એની ભૂંસાઈ ચૂકેલી ઓળખ કેમ લખી?


રોનિકાની નજર ટેબલ પર પડેલી એ ડાયરી પર ચોંટેલી હતી. એણે ઊંડો શ્વાસ લઈને અત્યંત શાંત અવાજે કહ્યું, "માણસનું મન એક અરીસા જેવું છે, દેસાઈ સાહેબ. અને જ્યારે એ તૂટે છે, ત્યારે માણસ પોતાની અસલી ઓળખ પાછી શોધે છે."


દેસાઈએ સર બોલ્યા, "મતલબ? તું કહેવા શું માંગે છે?"

"મતલબ એ કે આ ડાયરી કિશનની નથી." રોનિકાએ એક એવો ખુલાસો કર્યો જેણે રૂમની હવાને વધારે ભારે કરી દીધી. "કિશન ક્યારેય લાલ પેનનો ઉપયોગ નહોતો કરતો, એને લાલ રંગથી સખત નફરત હતી. આ ડાયરી એની છે, જેણે કિશનની ગાડીમાં બ્લાસ્ટ કરાવ્યો છે. અને એ માસ્ટરમાઇન્ડ કિશન દવેની પત્નીને નહીં... 'વેદિકા શ્રીવાસ્તવ' નામના એ ભૂતકાળને શોધી રહ્યો છે, જેને વેદિકા પોતે પણ ભૂલી ચૂકી છે."


Related Stories