પ્રતિબિંબ : ધ ફ્રેક્ચર્ડ મિરર
પ્રકરણ ૧:
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક અત્યંત વૈભવ અને વિશાળ બેન્ક્વેટ હોલમાં આજે એવી શાંતિ છવાયેલી હતી, જે કાનના પડદા ફાડી નાખે તેવી વજનદાર હતી. સામાન્ય રીતે આવા હોલ લગ્ન અને ઉજવણીઓના સાક્ષી હોય છે, પરંતુ આજે અહીંની હવામાં ચંદન અને ગુલાબજળની સુગંધ સાથે એક અકથ્ય ઉદાસી ભળેલી હતી. એ ઉદાસી જે સીધી હૃદયમાં ઉતરીને શ્વાસને પણ ભારે કરી દેતી હતી. હોલની બરાબર વચ્ચે, સફેદ ફૂલોની સજાવટ વચ્ચે એક વિશાળ તસવીર મૂકવામાં આવી હતી.
આ તસવીર સુરતના અત્યંત નામચીન, સફળ અને યુવા વકીલ કિશન દવેની હતી.
તસવીરમાંથી પણ કિશનનું વ્યક્તિત્વ જાણે છલકાઈ રહ્યું હતું. કોઈ સાઉથની ફિલ્મના હીરો જેવો તેનો રુઆબદાર દેખાવ, ઘઉંવર્ણો પણ તેજસ્વી ચહેરો, ધારદાર જડબું અને એની આંખો... એ આંખોમાં એક એવી ઊંડાણભરી કશિશ હતી જે કેટલીય છોકરીઓને રાતોરાત પાગલ કરી નાખવા માટે પૂરતી હતી. બ્લેક થ્રી પીસ સૂટમાં સજ્જ કિશનના ચહેરા પર એક હળવી સ્માઇલ હતી, જે એના આત્મવિશ્વાસની ચાડી ખાતી હતી. પણ આટલો આકર્ષક અને સફળ યુવાન, જેના ઈશારે સુરતની અદાલતોમાં કેસના ચુકાદાઓ બદલાઈ જતા હતા, તે કિશન દવે માત્ર એક જ વ્યક્તિનો દીવાનો હતો એની પત્ની, વેદિકા.
કિશન અને વેદિકા આ બે નામો સુરતના હાઈ પ્રોફાઈલ સર્કલમાં અને સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચાનો વિષય રહેતા. એક એવું કપલ જેમના પ્રેમની, જેમના વેકેશન્સની અને જેમની કેમેસ્ટ્રીની લોકો ઈર્ષ્યા કરતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટોગ્રાફ્સ મુકાતા જ હજારો લાઈક્સનો વરસાદ થતો. કિશનની આંખોમાં વેદિકા માટે જે સન્માન અને પાગલપન દેખાતું, તે કોઈ પણ સ્ત્રી માટે એક સ્વપ્ન સમાન હતું.
પરંતુ આજે, એ સ્વપ્ન કાચના મહેલની જેમ તૂટીને વિખેરાઈ ચૂક્યું હતું. હોલના એક ખૂણામાં, જ્યાં મહિલાઓ માટે બેસવાની વ્યવસ્થા હતી, ત્યાં પહેલી હરોળમાં જમીન પર બિછાવેલા સફેદ ગાદલા પર વેદિકા બેઠી હતી. જે વેદિકાના ડિઝાઇનર કપડાં અને પરફેક્ટ મેકઅપની સુરતની હાઇ સોસાયટીમાં ચર્ચાઓ થતી, તે આજે એક સાદી, કોરી સફેદ સાડીમાં લપેટાયેલી હતી. એનો ચહેરો નિસ્તેજ અને પીળો પડી ગયો હતો. હવામાં ઉડતી એની વિખરાયેલી લટોને સરખી કરવાનું પણ એને ભાન નહોતું. એની આંખોમાં આંસુ નહોતા, પણ એ આંસુઓથી પણ વધુ ભયાનક એવી 'શૂન્યતા' હતી. એ શૂન્યતા જે માણસને અંદરથી ખાઈ જાય છે.
તેના ગળામાંથી ડૂસકાં નહોતા નીકળતા, પણ તેની છાતી જે રીતે ધીમે ધીમે ધબકી રહી હતી, તે જોઈને કોઈ પણ કહી શકે કે અંદર કોઈ જ્વાળામુખી ફાટ્યો છે અને બધું જ ભસ્મીભૂત થઈ ગયું છે. વેદિકાની નજર એકીટશે હોલની વચ્ચે મુકાયેલી કિશનની એ હસતી તસવીર પર ચોંટેલી હતી. એને લાગતું હતું કે હમણાં જ કિશન એ ફોટામાંથી બહાર આવશે, પોતાના સૂટના બટન ખોલતો ખોલતો એની પાસે આવશે અને એના વાળમાંથી હાથ ફેરવીને કહેશે, "અરે યાર વેદુ, તું આટલી ટેન્શન કેમ લે છે? હું છું ને"
પણ સત્ય એ હતું કે કિશન હવે ક્યારેય પાછો આવવાનો નહોતો. સફેદ ફૂલોનો હાર એના ચહેરા પર વાસ્તવિકતાની અંતિમ મહોર મારી રહ્યો હતો.
બેસણામાં આવતા લોકોની કતાર લાંબી હતી. શહેરના મોટા માથાઓ, બિલ્ડરો, રાજકારણીઓ અને વકીલોની ફોજ ત્યાં હાજર હતી. લોકો આવતા, વેદિકાની સામે બે હાથ જોડતા, કોઈ ઔપચારિક સાંત્વના આપતા અને આગળ વધી જતા. વેદિકા માટે આ બધા ચહેરાઓ ઝાંખા પડછાયા સમાન હતા. એના કાનમાં લોકોના શબ્દો નહોતા પડતા, માત્ર એક વિચિત્ર પ્રકારનો સન્નાટો ગુંજી રહ્યો હતો.
લોકોની ગુસપુસ ધીમા અવાજે ચાલી રહી હતી. "બિચારી... કેટલી નાની ઉંમર છે. આખી જિંદગી પડી છે હવે." "કિશનભાઈ જેવા માણસની આ રીતે અચાનક એક્ઝિટ... માન્યામાં જ નથી આવતું. હજી બે દિવસ પહેલા જ મારી સાથે કોર્ટમાં હસતા હસતા વાત કરતા હતા." "આટલો મોટો વકીલ, પણ કોઈ ઘમંડ નહિ. વેદિકાભાભી તો સાવ ભાંગી પડ્યા છે. જુઓ તો ખરા, મૂર્તિની જેમ બેઠા છે. રોઈ લે તો સારું, નહીંતર મગજ પર અસર થઈ જશે."
આ અવાજો વેદિકાની આસપાસ ભમરાની જેમ ગણગણતા હતા, પણ તે સાવ બધિર થઈ ચૂકી હતી. તેના મગજમાં માત્ર એક જ દ્રશ્ય રિવાઇન્ડ થઈને વારંવાર ચાલી રહ્યું હતું કિશનનો એ લોહીલુહાણ ચહેરો. જે તેણે જોયો પણ ન્હોતો પણ એ પોતાના મગજ માં વારંવાર ઈમેજીન કરી રહી હતી. અને અરીસાની જેમ તૂટી ગયેલી તેમની કારનો કાચ, અને એ કાચમાં પ્રતિબિંબિત થતી કિશનની નિર્જીવ આંખો. પરંતુ હકીકતમાં આ બધું વેધિકા ના મનનો ભ્રમ હતો, કારણ કે મળેલા સમાચાર પ્રમાણે એને પણ ખબર હતી કે મસૂરીની એ ખાણમાં કિશન એની ગાડીના બ્લાસ્ટમાં જ રાખ થઈ ગયેલો.
કિશનને સાહિત્યનો અને સાયકોલોજીનો બહુ શોખ હતો. એ વારંવાર આ વાક્ય બોલતો. વેદિકાને યાદ આવ્યું, એક રાત્રે અગાસી પર બેઠા બેઠા કિશને એનો હાથ પકડીને કહ્યું હતું, "વેદુ, માણસનું મન એક અરીસા જેવું છે. દુનિયાને જે દેખાય છે તે આખેઆખો કાચ છે, પણ એની અંદર નાની નાની તિરાડો છુપાયેલી હોય છે. અને જ્યારે એ અરીસો તૂટે છે, ત્યારે એમાં દેખાતું પ્રતિબિંબ એટલું જ ભયાનકહોય છે."
આજે વેદિકાને એ શબ્દોનો અર્થ સમજાઈ રહ્યો હતો. કિશનનું જવું એ માત્ર એક પતિનું મૃત્યુ નહોતું, એ વેદિકાના પોતાના અસ્તિત્વના અરીસાના હજારો ટુકડા થઈ જવા સમાન હતું. એને સમજાતું નહોતું કે હવે એ કયા ટુકડામાં પોતાનો ચહેરો જોશે? કિશન વિનાની વેદિકા કોણ હતી? એની પોતાની કોઈ અલગ ઓળખ હતી જ ક્યાં? એ તો કિશનની 'વેદુ' હતી.
અચાનક, હોલના દરવાજે એક હળવો સળવળાટ થયો. લોકોની ગુસપુસ અચાનક શાંત થઈ ગઈ અને સૌની નજર દરવાજા તરફ વળી. સુરત ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઈન્સ્પેક્ટર દેસાઈ સિવિલ ડ્રેસમાં અંદર પ્રવેશ્યા. બેસણા જેવા ગંભીર પ્રસંગે પોલીસની હાજરીએ હવામાં એક નવો જ તણાવ ઊભો કરી દીધો. કિશન દવેનું મૃત્યુ એક કાર એક્સિડન્ટમાં થયું હતું એવું બધા માનતા હતા, પણ દેસાઈની અહીં ઉપસ્થિતિ કંઈક અલગ જ ઇશારો કરી રહી હતી. શું એ માત્ર એક અકસ્માત હતો? કે પછી સુરતના આ સૌથી પાવરફુલ વકીલની પાછળ કોઈ એવું રહસ્ય છુપાયેલું હતું જે હજી બહાર આવવાનું બાકી હતું?
દેસાઈ ધીમા પગલે ચાલતા કિશનની તસવીર પાસે આવ્યા. એમણે થોડીવાર એ હસતા ચહેરા સામે જોયું, બે હાથ જોડ્યા અને પછી એમની બાજનજર હોલમાં બેઠેલા લોકો પર ફરી. છેલ્લે એમની નજર શ્વેત સાડીમાં જડવત બેઠેલી વેદિકા પર સ્થિર થઈ. વેદિકાએ પણ ધીમેથી માથું ઊંચું કર્યું. બે સેકન્ડ માટે બંનેની નજરો મળી. વેદિકાની શૂન્ય આંખોમાં અને ઈન્સ્પેક્ટર દેસાઈની ધારદાર નજરમાં એક અકથ્ય સંવાદ થઈ ગયો.
કિશન મરી ગયો હતો, પણ એની સાથે જોડાયેલા રહસ્યો હજી જીવતા હતા. વેદિકાના મનમાં ચાલતા તૂટેલા પ્રતિબિંબોના ખેલની આ તો માત્ર શરૂઆત હતી. બેસણાનો આ હોલ હવે માત્ર શોકસભા નહોતો રહ્યો, પણ એક એવા મનોવૈજ્ઞાનિક ચક્રવ્યૂહનું પ્રવેશદ્વાર બની ગયો હતો, જ્યાં સત્ય અને ભ્રમ વચ્ચેની ભેદરેખા ભૂંસાવા લાગી હતી.
વેદિકાએ પોતાની આંખો બંધ કરી. અંદર ઘોર અંધકાર હતો, અને એ અંધકારમાં એને કાચ તૂટવાનો સ્પષ્ટ અવાજ સંભળાયો... છન્ન્ન..
Comments