ઘરને ઉંબરે
કુરીવાજો પર આધારીત
"ઉંબરા સુધીનું સફર મારુ,કોઈ તોડો બેડી મારા પગ તણી,
મારી ઈચ્છાઓ મેજ દફનાવી ,તારા નામનું સિંદુર પુરી ...
ગુજરાતી ભાષા એટલે સુંદર ભાષા અને એનાથીયે સુંદર ગુજરાતી લોકો. એના પહેરવેશથી માંડીને એના એ ગારના બનાવેલા નળીયાંવાળા મકાનો બધુ જ આકર્ષક અને હૃદયને ગમે એવું હોય છે.
ઉત્તર ગુજરાતના કોઈ એક શહેરમા એક વિસ્તારમા ઘણાં જૂની રૂઢિવાળા લોકો રહેતા હતા. તેમના ઘણાં રીવાજો હતા. જેમકે ત્યાંની સ્ત્રીઓને ઘરની બહાર પગ નહી મુકવો. ગામના પાદરે એક કૂંવો હતો. જ્યાં ગામની બધી સ્ત્રીઓ દરરોજ ભેગી થઈને પાણી ભરવા જાતી. માત્ર કુંવા સુધી પાણી ભરવા જવાનું અને કોઈની જોડે વાત કરવી તો દુરની વાત પણ કોઈની તરફ જોવાનું પણ નહી અને ઘરે આવી જવાનું. આની વિરુધ્ધ જનાર સ્ત્રીને માર મારવામાં આવતો.
ગામના મુખીયાએ ગામની સાફ સફાઈની કામગીરી ત્યાના નીચી જ્ઞાતીના લોકોને સોંપી હતી. બદલામાં એમને અન્ન આપવામા આવતું. એમાનો એક યુવાન રોજ સફાઈ કરવા માટે આ ગામમાં આવતો અને અને એજ સમયે ત્યાની સ્ત્રીઓ પાણી ભરવા નિકળતી. કુવાની બાજુમા વિશાળ એવું વડ વૃક્ષ હતું. જેના પાંદડા ખરવાને કારણે કુવા પાસેની સફાઈમાં મોડું થતું.
એક વાર સ્ત્રીઓ દર સવારની જેમ પાણી ભરવા નિકળી અને આ તરફ યુવાન સફાઈ કરતો હતો. સફાઈ કરતા યુવાનની નજર સ્ત્રીઓ સાથે આવતી એક છોકરી પર પડી અને એ છોકરીએ યુવાનને એક સ્મિત આપ્યું. આ સ્મિત આપતા જ્યારે એ છોકરીની મા જોઈ ગઈ ત્યારે છોકરીને કિધું કે એય એ'નિચલી કોમ'વાળા કહેવાય, આપણાંથી એની સામે પણ ના જોવાય.આ સાંભળી છોકરીને ગુસ્સો આવ્યો અને એ ઘરે જતી રહી. એને વિચાર આવ્યો કે એ પણ માણસ જ છે , છતાં આવું કેમ ?..
વિચારતા વિચારતા એને પેલા યુવાન છોકરાનો ચેહરો યાદ આવે છે. બિજા દિવસે સવારે પણ તેઓ એક બિજાને સ્મિત આપે છે. આ જોઈ છોકરીની મમ્મીએ એને કુવે લઈ જવાનું બંધ કરી દીધું. છોકરીને આ વાત પર બહુ ગુસ્સો આવ્યો .
ચાર દિવસ વીતી ગયા. છોકરો રોજ કુંવા પાસે આ સ્મિતની રાહ જોતો પણ એ છોકરી ન આવતી .
એક વખત આ છોકરી ઘરમાંથી ચોરી છુપે આ છોકરાને મળવા ગઈ.એક વખત. બે વખત.
આમ રોજ મળવા લાગી. ધીમે ધીમે એ છોકરીની મિત્રતા પ્રેમ સ્વરૂપ લેવા જઈ રહી હતી.
એની માં એને ગોતવા નિકળે એ પહેલા આવી જતી અને બહેનપણીના ઘરે હોવાનું બહાનું બનાવતી.
કુવાથી થોડે દુર એક મંદીરની પાછળ આ બંને મળતા. છોકરીએ એક દિવસ છોકરાને કહી દેવાનું વિચાર્યુ કે એને એ છોકરા સાથે પ્રેમ છે અને એણે મળતા જ કહી દિધું પણ આ સાંભળી છોકરાએ ઘણુ સમજાવ્યું કે હુ માત્ર તારા કહેવા પર તારો મિત્ર બન્યો હતો. અમારાથી તમને જોવાઈ પણ નહી અને પ્રેમ તો બહું દુરની વાત. છતાં છોકરી ન માની. અંતે છોકરો તેને બહેન કહી, માફી માંગી નિકળતો જ હતો કે ગામના એક પુરુષે આ બંને ને સાથે જોઈ લીધા અને ગામમાં વાત ફેલાવી દિધી કે આ બન્ને ભાગવાની તૈયારીમાં હતા. ધીમે ધીમે આ વાત ગામના મુખીયા સુધી પહોચી.
બિજા દિવસે બેઠક બોલાવી અને છોકરાને પકડી લાવવા કહ્યુ. છોકરાને ગામના લોકોએ ખુબજ માર્યો અને છેવટે છોકરીને બોલાવી અને એની સામે જ આ છોકરાનું અને એના પરિવારનું મોઢું કાળું કરી અને ગામમાંથી બે દાખલ કરી દીધા પણ આ ઘટના છોકરીથી જોવાઈ નહી એટલે તેણે કુંવામા પડી આત્મહત્યા કરી. તેને બચાવવા ઘણા પ્રયત્નો થયા પણ બધાજ પ્રયત્નો નિષ્ફળ રહ્યા.
આ ઘટના બાદ આજ સુધી એ ગામની છોકરીઓ કોઈની સામે જતાં પણ ડરે છે.
આવી ઘટનાઓ અને આવા રિવાજોને ઘણી દીકરીઓના સ્વપ્ન અને ઘણી પત્નીઓની ઈચ્છાઓ અને આશાઓ ઉંબર સુધી જ રહી જાય છે.
આવા રીવાજો અને જ્ઞાતી ભેદભાવોના કારણે આજે પણ ઘણા ઝઘડાઓ ચાલી રહ્યા છે. ક્યાંક તો નિચલીકોમ વાળા લોકોની નિર્દોષ છોકરીઓ સાથે બળાત્કાર કરી એના શબ ને સળગાવી દેવામા આવે છે અને સરકાર કે કોર્ટ સુધી વાત પહોંચે એ પહેલાં જ વાતને દફનાવી દેવામાં આવે છે.
Comments