Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

MINAXIBEN LALABHAI DAMOR

સ

સ્થળ બદલાતાં રહ્યાં, હું બદલાતી ગઈ...

MINAXIBEN LALABHAI DAMOR
MINAXIBEN LALABHAI DAMOR
Aug 07, 2026
1 views 1 min read 0 comments

બાળપણથી જ મારું જીવન થોડું અલગ હતું.
પપ્પાની નોકરી એવી હતી કે લગભગ ત્રણ વર્ષે જગ્યા બદલાઈ જતી. એટલે ઘર બદલાતું, શહેર બદલાતું, શાળા બદલાતી... અને મારી નાની દુનિયા પણ ફરીથી શરૂ થતી.
નવું શહેર એટલે—
નવા રસ્તા,
નવા ચહેરા,
નવી બોલી,
નવી રહેણીકરણી
અને... નવા મિત્રો.
ક્યારેક એવા શહેરમાં જવાનું થતું જ્યાં હું કોઈને ઓળખતી પણ નહોતી.
ત્યાંની બોલી અલગ લાગતી. લોકોની રહેણીકરણી અલગ હતી. ખાવાનું અલગ હતું. શરૂઆતમાં તો ક્યારેક પાણી પણ ન ભાવતું. 😊
પણ જીવન કદાચ આપણને ધીમે ધીમે શીખવતું હોય છે કે જ્યાં જાવ ત્યાં પોતાનું એક નાનું ઘર બનાવી લેવું.
નવી શાળામાં જતી.
શરૂઆતમાં અજાણ્યા ચહેરાઓ વચ્ચે ચૂપચાપ બેસતી. પછી ધીમે ધીમે કોઈ સાથે ઓળખાણ થતી... કોઈ મિત્ર બનતું... અને થોડા સમય પછી એ જ અજાણ્યું શહેર પોતાનું લાગવા લાગતું.
ત્રણ વર્ષ કેવી રીતે પસાર થઈ જતાં એની ખબર જ પડતી નહીં.
નવા મિત્રો બની જતા.
નવી જગ્યાઓ ગમવા લાગતી.
અને હા... નવી નવી વાનગીઓ પણ ચાખવા મળતી. 😊
પછી ફરી એક દિવસ...
"હવે બીજી જગ્યાએ જવાનું છે."
ફરી એ જ શરૂઆત.
ફરી નવા લોકો.
ફરી નવી શાળા.
ફરી નવી ઓળખાણ.
ક્યારેક લાગતું કે મારું બાળપણ જાણે એક જ જગ્યાએ ઊભું રહ્યું જ નથી. તે શહેરથી શહેર સાથે મારી સાથે ફરતું રહ્યું.
પણ પછી એક શહેર આવ્યું...
ગોધરા.
જેને અમે મજાકમાં "ગુજરાતનું પેરિસ" કહેતા. 😊
આ વખતે વાત થોડી અલગ હતી.
અહીં અમે થોડા વધુ સમય માટે સ્થાયી થયા.
અહીં સંબંધો માત્ર ઓળખાણ ન રહ્યા... તેઓ યાદો બની ગયા.
અહીં શાળાના દિવસો પૂરા કર્યા.
ધોરણ 12 સુધીનું ભણતર પૂરું થયું.
અને પછી...
કૉલેજ લાઇફ શરૂ થઈ.
એ સમયે ક્યાં ખબર હતી કે જીવનની સાચી પરીક્ષાઓ તો હજુ આગળ આવવાની હતી?
બાળપણમાં લાગતું હતું કે મુશ્કેલી એટલે નવી શાળામાં જવું.
પછી સમજાયું...
જીવનની કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં શહેર નથી બદલાતું... પણ માણસ પોતે બદલાઈ જાય છે.
આજે હું 37 વર્ષની છું.
પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે હું માત્ર શહેરો વચ્ચે ફરતી નહોતી...
હું દરેક શહેરમાંથી કંઈક શીખતી હતી.
કોઈ જગ્યાએથી મિત્રતા મળી.
કોઈ જગ્યાએથી આત્મવિશ્વાસ.
કોઈ જગ્યાએથી નવી ભાષા.
કોઈ જગ્યાએથી નવી વાનગી.
અને કોઈ જગ્યાએથી જીવનનો એવો પાઠ...
જે કોઈ શાળાના પુસ્તકમાં લખેલો નહોતો.
જીવન જેટલું દૂરથી સરળ દેખાય છે, એટલું સરળ હોતું નથી.
પણ કદાચ...
એની સુંદરતા પણ એમાં જ છે.
કારણ કે આજે જે હું છું,
એ માત્ર એક જગ્યાની નહીં...
પણ અનેક શહેરોની, અનેક યાદોની અને અનેક વિદાયોની બનેલી છું.