Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

कहानियाँ

અમી નાગરાજ

તાપીની વચોવચ
Non-Fiction

તાપીની વચોવચ

અમી નાગરાજ
અમી નાગરાજ
Jan 13, 2026
19 views 1 min read 2 comments

મને મારા બે ક્લાસમેટ જેનીશ અને વિશાલ ઘણાં સમયથી મળવાનું કહેતા હતાં અને એકબીજાને કોઈને કોઈ અંગત કામ આવી જતું એટલે મળવાનું રદ થતું પણ આજે.... ફાઇનલી અમે મળવા માટે નીકળી જ ગયા...

 

અમારા ત્રણેય વિચારતા હતા કે કેફેમાં મળીએ પણ મને એ વ્યાજબી ન લાગ્યું કારણ કે કેફે સીમિત જગ્યા થઈ જાય એટલે અમે કોઈ બીજી જગ્યા વિચારી જ્યાં એકદમ શાંતિ હોય અને સ્કૂલની તથા એકબીજાની જીવનસફર વિશે ચર્ચાઓ કરી શકાય...

 

મને આખા સુરતમાં શાંતિપ્રિય જગ્યા યાદ કરું તો એકજ જગ્યા યાદ આવે... 

 

મેં કહ્યું..કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ.....!

અમે ત્રણેય સાથે જ હસ્યા..

 

એક દિવસ જવાનું જ છે અને ત્યારે કદાચ આપણા ત્રણમાંથી એકાદ સાથે નહીં હોય એના કરતાં અત્યારેજ ત્રણેય સાથે જઈ આવીએ...

 

આ વાક્ય અમારા ત્રણેયના મગજદ્વારના ઉંબરે ચોંટી ગયું.

 

અમે ત્રણે કુરુક્ષેત્રના બાંકડે મળ્યાં. એ સ્ટીલનો બાંકડો અમારા માટે ફિક્સ થઈ ગયો હતો, હવે જ્યારે પણ મળીએ શરૂઆત અહીંથી કરવાની અને અહીં જ બેસવાનું. 

 

એથી શાંતિપ્રિય જગ્યા બીજી કોઈ હોય શકે ?

 

એક પછી એક શબ રાખ થતાનું દ્રશ્ય અમે નિહાળતા એક તરફ ચાલી રહેલા કર્મકાંડની વિધિનો મંદ અવાજ એકતરફ તાપી નદીના પાણીના વહેણના અવાજ અને થોડા પક્ષીઓનો કલરવ વચ્ચે અમારા ત્રણેયની જીવનસફરની વાતો તથા સ્કૂલલાઇફની વાતો અમે એકબીજાની થાળીમાં પીરસી રહ્યાં હતા.

 

એક નાવિક ત્યાં એની હોડી લઈને ઊભો હતો, મરણક્રિયાનો સમાન વિધિ બાદ નદીમાં વિસર્જન માટે શ્રદ્ધાળુઓને નદીની વચ્ચે લઈ જતો.

 

મેં એ નાવિકને જોઈને તરતજ મારા બંને મિત્રોને પૂછ્યું. કરવો છે ભાઈ સાહસ તો ભાવ પૂછું...

 

અને જેનીશ અને વિશાલે કહ્યું કરી જ નાખવાનો હોય ને...

 

માત્ર પચાસ રૂપિયા વ્યક્તિદીઠના દરે અમે હોડીમાં બેઠાં અને હોડી ચાલી..

 

મેં એક નજર આખી હોડીમાં કરી પણ અંદર સેફ્ટી જેવું કઈ હતું નઈ.

માત્ર એ નાવિકના ભરોસે અમે તો હોડીમાં બરોબર તાપી પર તરવા તૈયાર થઈ ગયા હતા.

 

અમારા વચ્ચે યાદો ઘણી છે પણ ફોટાઓ ઓછા એટલે ફોટોગ્રાફીને અમે પ્રથમ સ્થાન આપીએ.

 

તાપીની મધ્યે પહોંચતા અમે ઘણા બધા ફોટાઓ પડી ચૂક્યા હતા. મેં તો એક વ્લૉગ પણ બનાવી નાખ્યો.

 

જેનીશ ઘણીવખત હોડીમાં બેસેલો પણ મારા અને વિશાલના જીવનની આ પ્રથમ નાવયાત્રા હતી. આમ જોવા જઈએ તો તાપી ઉપર અમારા ત્રણેયની પ્રથમ કહી શકાય.

 

તાપીની બરોબર વચ્ચે પહોંચતા જ જેનીશ સૂર્યાસ્તના ફોટાઓ પાડવામાં વ્યસ્ત હતો અને વિશાલ એના  ફિલ્ડના કંઈક મેસેજ જોઈ રહ્યો હતો અને હું.... માણી રહ્યો હતો તાપીની મધ્યતા.

 

એકતરફ ડભોલી અને એકતરફ જહાંગીરપુરા, એક તરફ સ્મશાન અને એક તરફ સામાન્ય બિલ્ડિંગો, આમ તો ફરતું પાણી અને અમે પાણીની વચોવચ...

 

" એક તરફ મોક્ષ હતો અને બીજી તરફ મોહ. " 

 

આ વાક્ય મને પાર્થ જોશી ઉસ્તાદે કોલ પર કીધું જ્યારે મેં એમને આખી એ ઘટનાની અનુભૂતિ સમજાવી.

 

( તો તમે મોક્ષ અને મોહને એકદમ નજીકથી જોયા એમને. )

(હા પાર્થ ભાઈ ) 

 

એ ફિલ....

અચાનક મને એવી અનુભૂતિ થઈ  કે એક ઉર્જા છે મારી ચોતરફ ફેલાયેલી જે આ વગર સેફ્ટીની હોડીમાં અમારું રક્ષણ કાજે સાથે ફરતી હોય. એ ઊર્જાને હું મહેસૂસ કરી શકતો હતો. 

 

સમયનું કંઈ નક્કી નથી હોતું ક્યારે શું બનાવ બની જાય અને અમે ચારમાંથી માત્ર નાવિકને જ તરતા આવડતું હશે!

 

પણ એ બધા વિચારો માત્ર ચારથી પાંચ સેકેન્ડની જ ઘટના હતી.

 

એટલે તરતજ એ ઓરામાંથી બહાર આવી હું  હોડીના એન્જિનથી પાણીમાં થતી હરકતોથી ઊડતા અને મારા ચેહરાને સ્પર્શના પાણીના છાંટાને માણવા લાગ્યો.

 

આ લેખ દ્વારા મારે માત્ર એ સૂક્ષ્મ પણ બ્રહ્માંડની સાક્ષીનો અનુભવ જ શેર કરવો હતો બાકી ઘટના તો ખૂબ લાંબી છે.

 

 

 

 

 

 

 

( આ અનુભૂતિ લખતી સમયે મારા બંધ રૂમની અંદર એકલતા સાથે આંખ બંધ કરી બીજીવખત મારી આત્માને એ નાવમાં બેસાડી આવ્યો. પણ એ વખતે હું એકલો હતો. )

 

 

*આ ઘટનાના અમુક ચિત્રો વ્લોગ મારફતે મેં યુટ્યુબમાં શેર કર્યા છે.*

 

संबंधित स्टोरीज