Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

વાર્તાઓ

Dr. Kirtan Chheta

શીર્ષક: મૌન શબ્દોના શોરબકોર વચ્ચે આત્માનો એકાંત પ્રવાસ
Self-Help

શીર્ષક: મૌન શબ્દોના શોરબકોર વચ્ચે આત્માનો એકાંત પ્રવાસ

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 28, 2026
3 views 1 min read 0 comments

 

આજના આ યુગમાં જ્યાં ચારેતરફ ગોકીરો છે, ત્યાં 'મૌન' એ માત્ર શબ્દોની ગેરહાજરી નથી, પણ એક ઊંડી અભિવ્યક્તિ છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં જે વધારે બોલે છે તેને જ સાંભળવામાં આવે છે, પણ સત્ય તો એ છે કે જે મૌન રહે છે એ જ ખરેખર સમજે છે.

 

હવે જરા જાણિયે મૌન એટલે શું?

 

ઘણીવાર આપણને લાગે છે કે મોઢું બંધ રાખવું એટલે મૌન. પણ ના, એ તો માત્ર 'ચૂપકીદી' છે. ખરું મૌન એ છે જ્યારે તમારા મનના વિચારોનો કોલાહલ શાંત થઈ જાય. જ્યારે ભીતર ઉઠતા પ્રશ્નોના જવાબો શોધવા માટે તમારે બહારના કોઈ પુસ્તકની જરૂર ન પડે, ત્યારે સમજવું કે તમે મૌનના ઉંબરે ઊભા છો.

 

મારી દ્રષ્ટિએ જોવો તો, મૌન એ શૂન્ય નથી, પણ પૂર્ણતાની શરૂઆત છે. જેમ સફેદ રંગમાં બધા જ રંગો સમાયેલા છે, તેમ મૌનમાં બ્રહ્માંડના તમામ શબ્દો સમાયેલા છે.

 

શબ્દોની મર્યાદા અને મૌનની અનંતતા માટે આપણે શબ્દો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ શું શબ્દો ક્યારેય પ્રેમ કે પીડાને પૂરેપૂરી રીતે વર્ણવી શક્યા છે? જ્યારે પ્રેમ પરાકાષ્ઠાએ હોય છે, ત્યારે બે વ્યક્તિઓ એકબીજાની આંખોમાં જોઈને મૌન રહે છે. જ્યારે દુઃખ અસહ્ય હોય છે, ત્યારે ડૂમો ભરાય છે અને શબ્દો સાથ છોડી દે છે.

 

"જ્યાં શબ્દો થાકી જાય છે,

ત્યાં મૌન બોલવાનું શરૂ કરે છે."

 

આ વાક્ય આપણને સમજાવે છે કે મૌન એ ભાષાની મર્યાદા પૂરી થાય ત્યાંથી શરૂ થતી એક નવી ભાષા છે.

 

હવે મૌન અને આત્મ-નિરીક્ષણ માટે આપણે આખો દિવસ બીજા સાથે વાતો કરીએ છીએ, પણ ક્યારેય પોતાની સાથે વાત કરી છે? મૌન આપણને પોતાની જાત સાથે મુલાકાત કરાવે છે. જ્યારે તમે એકાંતમાં મૌન ધારણ કરો છો, ત્યારે તમને તમારી ભીતર રહેલો અસલી 'તમે' દેખાય છે. તમારા ડર, અને તમારી આકાંક્ષાઓ અને તમારા પસ્તાવાઓ આ બધું જ મૌનના અરીસામાં સાફ દેખાય છે.

 

પછી એમ પાછું સંબંધોમાં મૌનનું મહત્વ પણ ઘણું મહત્વનું હોય છે. સંબંધોને ઘણીવાર આપણે બોલીને બગાડી નાખીએ છીએ. દલીલોમાં જીતવા માટે આપણે શબ્દોના બાણ છોડીએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે મૌન રહીને જે વાત સમજી શકાય છે તે કદાચ કલાકોની ચર્ચાથી પણ નથી સમજાતી. કોઈના ખભા પર માથું મૂકીને શાંતિથી બેસવું એ હજારો 'I Love You' કરતા વધારે શક્તિશાળી હોય છે.

 

પરંતુ, મૌનનો એક બીજો ચહેરો પણ હોય છે જેનું નામ 'અબોલા' છે જે પણે અવારનવાર લઈ લેતા હોઈએ છીયે પણ એ અબોલા ઉપર ઘણી વાર જે તે વ્યક્તિ માટે નફરતનું કોલાહલ પણ દેખાતું હોય છે. હવે જો મૌન અહંકારમાંથી જન્મે તો તે દીવાલ બની જાય છે, અને જો તે સમજણમાંથી જન્મે તો તે સેતુ એટલે કે સમજણનો બ્રિજ બની જાય છે.

 

હવે એમ જોવા જઈએ તોહ મૌન એ એક આધ્યાત્મિક શસ્ત્ર પણ છે. જેના માટે દરેક ધર્મ અને મહાપુરુષોએ મૌનને પ્રાધાન્ય આપ્યું છે. મહાત્મા ગાંધી અઠવાડિયામાં એક દિવસ મૌન પાળતા. શા માટે?

કારણ કે તેમને ખબર હતી કે સત્ય સુધી પહોંચવા માટે બહારના અવાજો બંધ કરવા જરૂરી છે.

 

બુદ્ધનું મૌન એ કાયરતા નહોતી, પણ બ્રહ્માંડના રહસ્યોને પામવાની એક રીત હતી.

 

જ્યારે તમે મૌન રહો છો, ત્યારે તમારી ઊર્જા વેડફાતી અટકે છે. એ ઊર્જા અંદરની તરફ વળે છે અને તમારા વ્યક્તિત્વને તેજસ્વી બનાવે છે.

 

આજના 'નોઈઝી' જગતમાં મૌન કેવી રીતે કેળવવું?

 

આપણી આસપાસ નોટિફિકેશનના અવાજો, સોશિયલ મીડિયાની ચર્ચાઓ અને ટીવીનો ઘોંઘાટ છે. આ સ્થિતિમાં મૌન રહેવું એ એક 'મુશ્કેલી' બની ગઈ છે.

દિવસની ૧૦ મિનિટ કંઈ પણ બોલ્યા વગર કે ફોન જોયા વગર બેસો. પ્રકૃતિને સાંભળો અને પક્ષીઓનો કલરવ, પવનનો સુસવાટો સાંભળો અને વિચારોને આવવા દો અને જવા દો, તેમને પકડશો નહીં.

 

એટલું જાણી લો કે મૌન એ કોઈ સજા નથી, પણ એક વરદાન છે. મૌન ધારણ કરનાર વ્યક્તિ ક્યારેય એકલી હોતી નથી, કારણ કે તેની પાસે તેના પોતાના વિચારોની સમૃદ્ધિ હોય છે. મૌન એ અંતરનો દીવો છે જે આપણને અંધકારમાં પણ સાચો રસ્તો બતાવે છે.

 

જે દિવસે તમે મૌનને ચાહવા લાગશો, તે દિવસે તમને સમજાશે કે દુનિયામાં સાંભળવા જેવું ઘણું છે, પણ બોલવા જેવું બહુ ઓછું.

સંબંધિત સ્ટોરીઝ