Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.

Stories

Pankhil Gajjar

Fiction

છાંયો જે બોલતો હતો

Pankhil Gajjar
Pankhil Gajjar
Jan 12, 2026
8 views 1 min read 0 comments

માળાવાળું ગામ, ખેતરો વચ્ચે દબાયેલી એક જૂની હવેલી…
એ હવેલી વિશે ગામમાં એક જ નિયમ હતો—
સૂર્યાસ્ત પછી ત્યાં પગ મૂકવો નહિ.

લોકો કહેતા, હવેલીમાં કોઈ ભૂત નથી રહેતું…
પરંતુ ત્યાં છાંયો જીવંત છે.

રવિ, અમદાવાદથી આવેલો ૨૮ વર્ષનો પત્રકાર, આવા અંધવિશ્વાસમાં માનતો ન હતો. એને હોરર વિષય પર લેખ લખવો હતો. ગામના લોકો જ્યારે ડરતા ડરતા હવેલીની વાત કરતા, ત્યારે રવિના ચહેરા પર માત્ર હાસ્ય હતું.

“છાંયો કેવી રીતે જીવંત હોઈ શકે?” એ બોલ્યો.

એ રાત્રે, અમાવસ્યાનો અંધકાર હતો. ચાંદ પણ દેખાતો ન હતો. રવિ ટોર્ચ, કેમેરો અને નોટબુક લઈને હવેલી તરફ ચાલ્યો.

દરવાજો અડધો તૂટેલો હતો. અંદરથી ભીંજાયેલા લાકડાની દુર્ગંધ આવતી હતી. જમીન પર પગ મૂકતા જ ચરર… અવાજ થયો—જાણે કોઈ હાડકાં તૂટ્યા હોય.

ટોર્ચની લાઈટ દીવાલ પર પડી…
અને ત્યાં રવિની છાયા દેખાઈ.

પરંતુ થોડી ક્ષણમાં જ રવિને અજીબ લાગ્યું—
છાયા ટોર્ચ હલાવ્યા વગર પણ હલતી હતી.

“આ તો… લાઈટનો ભ્રમ હશે,” એ પોતાને સમજાવતો આગળ વધ્યો.

અંદર એક મોટું અરીસાવાળું હોલ હતું. અરીસો ધૂળથી ભરેલો, પણ કંઈક ચમકતું હતું. રવિએ અરીસાને સાફ કર્યો.

અરીસામાં એ પોતાને જોઈ રહ્યો હતો…
પણ એની આંખો પલક પણ ન મારતી.

એ જ ક્ષણે પાછળથી ધીમો અવાજ આવ્યો—
“તું મને બહુ સમયથી ભૂલી ગયો છે…”

રવિ વળ્યો. કોઈ નહોતું.
પણ હવે એની છાયા જમીન પર નહિ—
દીવાલ પરથી બહાર નીકળતી હતી.

છાયા બોલી,
“હું તારો ડર છું… તારી લાલચ… તારો અંધકાર.”

હવેલીના બધા દરવાજા ધડામ કરીને બંધ થઈ ગયા. ટોર્ચ બંધ પડી ગઈ. અંધકારમાં માત્ર અરીસો ઝગમગતો રહ્યો.

રવિ અરીસામાં જોયું—
અંદરનો રવિ હસી રહ્યો હતો.

“ના… આ શક્ય નથી!” રવિ ચીસ પાડ્યો.

અરીસામાંથી અવાજ આવ્યો—
“હવે બહાર હું જ જઈશ…”

અચાનક અરીસો તૂટ્યો. કાળા ધુમાડા જેવું કંઈક રવિ પર છવાઈ ગયું.

સવાર

બીજા દિવસે ગામમાં ચર્ચા હતી—
હવેલીમાંથી એક યુવાન બહાર આવ્યો હતો. શાંત, વિનમ્ર, હસતો.

એણે પોતાનું નામ કહ્યું—
“રવિ.”

પણ ગામના એક વૃદ્ધે ધ્યાન આપ્યું…
સૂર્યપ્રકાશમાં એની છાયા
એના પગથી થોડા અંતરે ઊભી હતી.

અને રાત્રે…
એ છાયા ધીમે ધીમે બોલતી હતી.

“હવે એ અંદર છે…”

*****વાર્તા ચાલુ છે *****
(
ભાગ -2 )

Related Stories