શીર્ષક: મમ્મી, તું હજી એવી ને એવી જ છે...
Dr. Kirtan Chheta
Jan 11, 2026
અમે મોટા થઈ ગયા, કદાચ થોડા 'સમજદાર' પણ થઈ ગયા, પણ મમ્મી, તું આજે પણ સાવ એવી જ છે...
ઘરેથી નીકળતી વખતે "સાચવીને જજે" કહેનારી,
ને મોડું થાય તો દસ વાર ફોન કરીને જીવ બાળનારી,
અમે ગમે એટલા મોટા થઈએ, તારી નજરમાં તો નાના જ રહીએ, તું સાવ ભોળી છે, આજે પણ એવી ને એવી જ છે.
આખા ઘરની વસ્તુઓ તને મોઢે યાદ હોય છે, પણ પોતાની તબિયતની વાત આવે ત્યારે તું બધું જ ભૂલી જાય છે.
ખૂણે બેસીને ચૂપચાપ આંસુ લૂછી લેશે, પણ જમતી વખતે થાળીમાં
'વધારે શાક' તો અમને જ પીરસે છે, મમ્મી, તારી આ મમતા સાવ એવી ને એવી જ છે.
અમે નવા કપડાં લાવીએ તો તું મલકાયા કરે, અમે દુનિયા જીતવા નીકળ્યા છીએ, ને તું?
*તું તો બસ અમારા જીતવાના સમાચાર સાંભળવા જીવ્યા કરે છે.
ક્યારેક અમે તારા પર ગુસ્સો કરી લઈએ, ક્યારેક તારી વાતને 'જૂની પુરાણી' કહી કાઢી નાખીએ, તોય રાત્રે સુતી વખતે અમારે માથે હાથ ફેરવવાનું તું નથી ચૂકતી, મમ્મી, તારી માફી આપવાની રીત સાવ એવી ને એવી જ છે.
ભગવાનને મંદિરમાં શોધવાની જરૂર જ ક્યાં છે?
જ્યારે ઘરે આવતા જ સામે તારો હસતો ચહેરો દેખાય છે.
બસ, આખી જિંદગી તારો આ પાલવ પકડી રાખવો છે, કારણ કે દુનિયા ગમે એટલી બદલાય, મારી મમ્મી સાવ એવી ને એવી જ છે.
Dr. Kirtan chheta
💬 Comments (2)
Please login to leave a comment
LoginThank you dear
What a amazing words. Keep it up kirtan bhai👍🏻