Enable notifications

Get instant alerts for messages, book updates, royalties and offers — free, no app store needed.

Notifications enabled. You’ll get updates from HarMat.
શીર્ષક: ડી આર ડાયરી
Self-Help

શીર્ષક: ડી આર ડાયરી

Dr. Kirtan Chheta
Dr. Kirtan Chheta
Jan 16, 2026
2 views 1 min read 0 comments

આજે મારે ક્લિનિકે એક દર્દી આવ્યું જેની પાસે એમ જોઈએ તોહ બોવ મોટો ફાઇલનો થપો હતો જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને સુરતના એક પણ ડૉક્ટરને કન્સલ્ટેશન માટે બાકી નહીં રાખ્યા હશે.

દર્દી એ આવીને મને બધી ફાઇલ બતાવી મેં તેમનુ ડાયગ્નોસ પણ કર્યું. દર્દીના મુંજવણ ભર્યા સવાલો સાબિત કરી રહ્યા હતા કે હવે તે ખરેખર થાક્યું હશે.

 

તેને મને બધું સાચું કીધું કે સર મને કોઈ જ ડોક્ટર પર હવે ભરોસો જ નથી રહ્યો. કારણકે મને દવાથી સારું થતું જ નથી. એટલે મેં તેમને સરળ સ્વભાવે પૂછ્યું તમે એ બધી દવાઓ લાવ્યા છો. એટલે દર્દીએ એક આખી દવા ભરેલી બેગ બહાર કાઢી અને ત્યારબાદ મેં એમાં રહેલી બધી દવાઓ ને જોઈ બધી દવાના પેકેટમાં ખાલી બે કે ત્રણ ગોળી લીધેલી હોય તેવું લાગી રહ્યું હતું.

 

પછી મેં દર્દીને પૂછ્યું કે તમે એમના કોઈ કોર્સને પૂરો કેમ નથી કર્યો. એટલે દર્દીએ કાંટાળાજનક અવાજ સાથે કહ્યું એ તો સાહેબ હું બે ડોઝ લવ પછી અને સારું નથી થતું એટલે હું તરત ડૉક્ટર બદલી નાખું અને આવું હું છેલ્લા ૫ વર્ષથી કરું છું. છતાય મને કોઈ કામનો અને સારો ડૉક્ટર ના મળ્યો.

 

આ કિસ્સો માત્ર એક ક્લિનિકના ઓરડાની દીવાલો વચ્ચેનો નથી, પરંતુ આજના 'ઇન્સ્ટન્ટ' યુગમાં જીવતા અધીરા માનવીની મનઃસ્થિતિનું એક જીવંત પ્રતિબિંબ છે. તે દર્દીની પેલી ફાઈલોનો થપ્પો એ એની બીમારીનો નહીં, પણ એના 'અવિશ્વાસ' નો દસ્તાવેજ હતો.

 

હવે અહીંયા હું તમને કઈક કહેવા માંગીશ કે આ પ્રસંગ પરથી મને શું અનુભવ થયો અને હું તમને શું કહેવા કે શીખવા માંગુ છું.

 

સો ખાડા ખોદવાથી પાણી નથી મળતું.

 

જીવનનો એક સાદો નિયમ છે કે જો તમારે પાણી જોઈતું હોય, તો તમારે એક જ જગ્યાએ ૧૦૦ ફૂટનો ખાડો ખોદવો પડે. જો તમે એક-એક ફૂટના ૧૦૦ ખાડા ખોદશો, તો હાથમાં માત્ર ધૂળ જ આવશે, પાણી નહીં. પેલો દર્દી પાંચ વર્ષથી આ જ કરી રહ્યો હતો. તે ડોક્ટર બદલતો હતો, પણ પોતાની 'અધીરાઈ' બદલવાનું ભૂલી ગયો હતો. સાધ્ય સુધી પહોંચવા માટે સાધન પર ભરોસો મૂકવો અનિવાર્ય છે.

 

દવા શરીર માટે, શ્રદ્ધા મન માટેની દવા છે.

 

દવા એ માત્ર રસાયણોનું મિશ્રણ છે, જે શરીરના કોષો પર કામ કરે છે. પરંતુ એ દવાને 'પરિણામ' માં બદલવાનું કામ 'શ્રદ્ધા' કરે છે. જ્યારે દર્દી બે ડોઝ લઈને ડોક્ટર બદલી નાખે છે, ત્યારે તે હકીકતમાં દવાનો નહીં પણ એ સાજા થવાની પ્રક્રિયાનો અસ્વીકાર કરે છે. સાજા થવું એ એક 'પ્રક્રિયા' છે, કોઈ 'ઘટના' નથી કે જે સ્વીચ દબાવતા જ ઘટી જાય.

 

સમયનું રોકાણ અને ધીરજની મૂડી

 

તે દર્દી પાસે પાંચ વર્ષનો સમય હતો, પણ પાંચ દિવસની ધીરજ નહોતી. આપણે ઘણીવાર પરિણામ મેળવવાની ઉતાવળમાં એ ભૂલી જઈએ છીએ કે કુદરત પણ પોતાનો સમય લે છે. બીજ વાવ્યા પછી તરત ફળ નથી મળતું; એને અંકુરિત થવા માટે માટીમાં દટાઈ રહેવું પડે છે. જે દર્દી ડોક્ટર બદલે છે તે વારંવાર બીજને બહાર કાઢીને જુએ છે કે તે કેટલું ઉગ્યું, અને અંતે તે બીજ ક્યારેય વૃક્ષ બની શકતું નથી.

 

સાચો ડોક્ટર કોણ?

 

દર્દીને પાંચ વર્ષમાં કોઈ 'સારો' ડોક્ટર ન મળ્યો, કારણ કે તે ડોક્ટરમાં 'ભગવાન' શોધતો હતો, પણ પોતાનામાં 'ધીરજ'કેળવવાનું ચૂકી ગયો હતો. સારવાર એ માત્ર ડોક્ટરની જવાબદારી નથી, એ ડોક્ટર અને દર્દી વચ્ચેનો એક મૌન કરાર છે. જ્યાં સુધી તમે તમારી પીડાને કોઈના હાથમાં સોંપતા નથી, ત્યાં સુધી મુક્તિ મળવી અશક્ય છે.

 

ફાઈલોના થપ્પા ક્યારેય તંદુરસ્તીની ગેરંટી નથી હોતા. સાચું સ્વાસ્થ્ય ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી આપણે 'સ્થિર' થવાનું શીખીએ છીએ. ભટકી ગયેલું મન ક્યારેય સાજા થયેલા શરીરનો આનંદ માણી શકતું નથી.

 

હવે મને એવું લાગતું હતું કે મારી પાસે આવેલા એ દર્દીને કદાચ દવાની નહીં, પણ સ્થિરતાની દવા આપવાની જરૂર હતી.

 

હવેજાણીએ 'પ્રોસેસ' વિરુદ્ધ 'પરિણામ' મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએથી

 

આજના યુગમાં માણસને લક્ષ્ય જલ્દી પ્રાપ્ત કરવું છે, પણ તેને યાત્રા માં કોઈ રસ નથી. પેલા દર્દી માટે સાજા થવું એ એક ડેસ્ટિનેશન હતું, પણ તેના માટે જે 'કોર્સ' પૂરો કરવાની યાત્રા હતી, તેમાં તેની ધીરજ ખૂટી જતી હતી.

એક પુસ્તક થોડા દિવસો પહેલા મેં વાચેલી તેમાં લખેલી ફિલોસોફી કહે છે કે, "તમે રસ્તો બદલ્યા કરશો તો ક્યારેય મુકામ પર નહીં પહોંચો." પાંચ વર્ષથી તે દર્દી માત્ર રસ્તાઓ જ બદલી રહ્યો હતો. દરેક વખતે જ્યારે તે નવો ડોક્ટર બદલે છે, ત્યારે તેની સારવારનું 'મીટર' ફરીથી શૂન્ય થઈ જાય છે. તે ક્યારેય 'રિકવરી' ના બીજા કે ત્રીજા સ્ટેજ સુધી પહોંચી જ શક્યો નહીં, કારણ કે તે પહેલા સ્ટેજ પર જ હિંમત હારી જતો હતો.

 

હવે જાણીએ દર્દીઓના અવિશ્વાસનું વિષચક્ર કેવું હોય છે ?

 

તે દર્દીનું કહેવું હતું કે "મને કોઈ ડોક્ટર પર ભરોસો નથી." આ એક બહુ મોટું સત્ય પ્રગટ કરે છે કે જ્યારે આપણે કહીએ છીએ કે આપણને બીજા પર ભરોસો નથી, ત્યારે હકીકતમાં આપણને આપણી પોતાની પસંદગી પર ભરોસો નથી હોતો.

શંકા એ કાટ જેવી છે, જે મજબૂતમાં મજબૂત દવાના પ્રભાવને પણ ખાઈ જાય છે. જો દર્દીના મનમાં એવો ભાવ હોય કે "આ દવા મને અસર નહીં કરે", તો તેનું મસ્તિષ્ક એવા 'નોસેબો' ઈફેક્ટ પેદા કરે છે જે દવાની અસરને મંદ પાડી દે છે. એ દર્દી પાંચ વર્ષથી દવાઓ તો ગળતો હતો, પણ તેની સાથે 'શંકા' પણ ગળતો હતો. હવે તમે એટલું જાણી ને મનમાં ગાંઠ વાળી લો કે ઝેર અને અમૃત સાથે લેવાથી ક્યારેય જીવન ન મળે.

 

હવે ડોક્ટર એ કઈ શોપિંગનો વિષય નથી કે તમે તેમાં પસંદગી કરો.

 

આધુનિક તબીબી વિજ્ઞાનમાં આને 'ડોક્ટર શોપિંગ' કહેવાય છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો, આ માણસની આંતરિક અશાંતિનું પ્રતીક છે. તે ડોક્ટર નથી શોધતો, તે એક એવો જાદુગર શોધી રહ્યો છે જે તેની વર્ષોની તકલીફને ચપટી વગાડતા દૂર કરી દે.

 

અને ત્યાજ આપણે ભૂલી જઈએ છીએ કે બીમારી શરીરમાં આવતા પાંચ મિનિટ લે છે, પણ શરીરમાંથી બહાર નીકળતા એ સમય માંગે છે. તે દર્દી પોતાની પીડાને સ્વીકારવા તૈયાર નહોતો, તે માત્ર એનાથી ભાગવા માંગતો હતો. અને ભાગનારો માણસ હંમેશા હાંફી જાય છે, તે ક્યારેય જીતી શકતો નથી. એટલું યાદ જરૂરથી રાખજો.

 

હવે કોઈપણ ઈલાજ ત્યારે જ સફળ થાય છે જ્યારે દર્દી પોતાના ડોક્ટરને પૂરી રીતે સરેન્ડર કરે. અહીંયા સમર્પણનો અર્થ એ નથી કે અંધશ્રદ્ધા રાખવી, પણ સમર્પણનો અર્થ છે 'ધીરજ સાથે રાહ જોવી'.

પેલા દર્દી પાસે દવાઓની બેગ ભરેલી હતી, જે સાબિત કરે છે કે તેની પાસે પૈસા હતા, સુવિધા હતી અને ઈચ્છા પણ હતી. પણ તેની પાસે જે નહોતું, તે ફક્ત હતી 'મનની સ્થિરતા'.

 

જેવી રીતે કાચા ઘડાને પકવવા માટે તાપમાં રહેવું પડે છે, તેવી રીતે સાજા થવા માટે દવાની અસરમાં રહેવું પડે છે. વારંવાર ઠંડા પડવાથી માટી ક્યારેય ઘડો બની શકતી નથી.

 

જો તમે પણ જીવનમાં વારંવાર નિર્ણયો બદલો છો, વારંવાર ગુરુઓ બદલો છો કે વારંવાર રસ્તાઓ બદલો છો, તો યાદ રાખજો કે ખામી રસ્તામાં નથી, તમારી 'ચાલવાની તૈયારી' માં છે.

 

અને હવે આટલું કહ્યા પછી યાદ રાખજો પાછા કે ડોક્ટર પાસે ફાઈલ લઈને જતી વખતે, વિશ્વાસનું એક કોરું પાનું પણ સાથે રાખજો. કારણ કે સાચું નિદાન મશીનોમાં નહીં, પણ ડોક્ટર અને દર્દી વચ્ચે બંધાતા ભરોસાના પુલ પર થાય છે. અને તે પુલનું બાંધકામ બને તરફથી થવું ખૂબ જ જરૂરી છે.

 

ડો કિર્તન છેટા

Related Stories