શીર્ષક: ગામડું
Dr. Kirtan Chheta
Jan 25, 2026
ગઝલ: ગામડું
ભીંત પર ટાંગેલ ફોટામાં હસે છે ગામડું,
આંખ મીંચું ત્યાં તરત સામે જ આવે ગામડું.
દોડતી આ જિંદગીમાં થાક લાગે છે હવે,
સાંજ પડતા યાદ આવી મન મનાવે ગામડું.
શેરમાં સુખ સાહ્યબી તો ખૂબ મળતી હોય છે,
તોય રાતે સપનું થઈ કાયમ સતાવે ગામડું.
જ્યારથી વેચ્યું હતું ખેતરને મારું આંગણું,
ત્યારથી શ્વાસો મહીં ડૂમો ભરાવે ગામડું.
ભાગ્યમાં લખિયો હતો વનવાસ તો નીકળી ગયા,
બાકી કોને છોડવું ગમતું હોય પ્યારું ગામડું?
ડો કિર્તન છેટા
💬 Comments (0)
Please login to leave a comment
Login